સિમલામાં યોજાયેલ નેશનલ લેવલ નૃત્ય સ્પર્ધામાં નાટ્યાલય અંજારની દીકરીઓનો ડંકો
હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા મધ્યે ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તારીખ 6 થી 10 જૂન દરમિયાન 69મી નેશનલ લેવલની નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જુદાજુદા 20 રાજ્યોમાંથી 1000 કરતા વધુ કલાકારોએ 270 જેટલી કૃતિઓ પ્રસ્તુત કરેલ હતી.
અંજારની ચંદે સિસ્ટર્સ (કુ. કિન્નરી અને કુ. બાગેશ્રી ચંદે)ના નિદર્શન અને માર્ગદર્શન હેઠળ નાટ્યાલય અંજારની અલગ અલગ વય જૂથની છાત્રાઓએ ક્લાસિકલ, સેમી ક્લાસિકલ અને ફોક ડાન્સની સોલો, ડ્યુએટ અને ગ્રુપ ડાન્સની જુદી જુદી 18 કૃતિઓ પ્રસ્તુત કરીને આયોજકો, નિર્ણાયકો અને દર્શકોના દિલ જીતી લીધા હતા અને તમામ 18 કૃતિઓમાં એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.જેમાં 7 કૃતિઓને - પ્રથમ સ્થાન 5 કૃતિઓને - દ્વિતીય સ્થાન 5 કૃતિઓને - તૃતીય સ્થાન તથા 1 કૃતિને નિર્ણાયક પસંદગી એવોર્ડ મળ્યા હતા.
જેમાં સબ જુનિયર કેટેગરી સોલો ભરતનાટ્યમમાં નવ્યા મજેઠીયા - પ્રથમ અને ત્વીશા જોબનપુત્રાએ -દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જુનિયર કેટેગરી સોલો ભરતનાટ્યમમાં જહાનવી ચૌહાણ - પ્રથમ યશસ્વી ડાભી - દ્વિતીય તેમજ યામીની વરુ અને માસુમિ દૈયાએ - તૃતીય સ્થાન મેળવ્યું હતું.
સબ જુનિયર કેટેગરી ડ્યુએટ ભરતનાટ્યમમમાં નવ્યા અને ત્વીશાની જોડીને પ્રથમ જુનિયર કેટેગરી ડ્યુએટ ભરતનાટ્યમમાં દિતી અને યામીનીને - પ્રથજહાનવી અને માસુમીને -દ્વિતીય તેમજ મોહિની અને ઝલક તથા યશસ્વી અને જીયાની જોડીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ભરતનાટ્યમના બે ગ્રુપ ડાન્સ તથા એક સેમી ક્લાસિકલ ગ્રુપ ડાન્સ એમ ત્રણ ગ્રુપ ડાન્સમાં પ્રથમ સ્થાન તેમજ કચ્છી ફોક ડાન્સ અને ગુજરાતી ફોક ટિપ્પણી ડાન્સ બંનેમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
નાટ્યાલય અંજારની દીકરીઓની આ અનોખી સિદ્ધિ બદલ કલા ગુરુ શ્રીમતી સુમા મેડમ, સમાજના આગેવાનો, પરિવારજનો અને સ્નેહીજનો તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. સિમલામાં વિજયી બનીને પરત ફરેલી નાટ્યાલય ટીમ અને ચંદે પરિવારનું રેલવે સ્ટેશને વાલીમિત્રો દ્વારા પુષ્પગુચ્છ અને ફુલહારથી ઉષ્મા સભર સ્વાગત કરાયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત દીકરીઓએ માતા પિતા, નાટ્યાલય ઉપરાંત અંજાર તેમજ સમગ્ર કચ્છને ગૌરવ અપાવ્યું છે.

Post a Comment